આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે.
જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.
--------------------------
બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું.
બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.
(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)
--------------------------
રાજાની ભેંસ વિયાઈ ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળે જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો.
આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયું, છતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી.
બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહા મહેનતે પાડાને ઊચક્યો તો ખરો, પરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવી, પાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.
(કથાબોધ : રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છે, તે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.)
--------------------------
એક કુંભાર પાસે એક ગધેડો હતો, જે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતો?
માયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’
(કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ (ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છે, જ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છે, ગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.)
--------------------------
રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’
શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’
સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.
થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’
વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.
હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.
(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બે, સસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)
--------------------------
એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’
શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો.
થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.
બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’
રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો.
(કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે.)
--------------------------
એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો. આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી. માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતી, તેના નહોર ચપ્પુ જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો.
રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાન, બચાવ.’ આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’
‘હું ભૂલ કબૂલ કરું છું, પણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ નાની વયની છે, ભગવાન, તેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું બચી જાઉ,’
નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ નજીક આવી, માણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો આભાર.’
(કથાબોધ : ઈશ્વરમાં માનવાથી ધંધામાં અહિંસક બનાતું નથી.)
[Filed under: Fun, gujarati story, લઘુ કથા, વાર્તા — Himanshubhai Mistry ]
લેખક/રૂપાંતર કાર શ્રી વિદ્યુતભાઈ જોષી છે અને તે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.
ReplyDelete